જ્ઞાનના ગણપતિનું મનમાં સ્થાપન એટલે વાયડી વૃત્તિઓનું વિસર્જન!

સ્પેક્ટ્રોમીટર – જય વસાવડા

એકધારી ધાર્મિક સંકુચિતતા ચોમેર વધતી જાય છે. ત્યારે મોટા કાન અને પેટવાળા ગણેશજી પાસે સ્મિતની શુભભાવના કેળવવાની છે

જે માત્ર વાતોમાં નહિ, પણ આચરણમાં ય ખરેખરા ઉદાર, સર્મસમાવેશક, આધુનિક, વિચારક લિબરલ્સ હોય છે, એમને હંમેશા દરેક બાજુના કટ્ટરવાદીઓનું ટાર્ગેટ બનવું પડે છે. ગાંધીજી એનું બેસ્ટ એક્ઝામ્પલ છે.

ઉગ્રપંથી મુસ્લિમોએ એમના ગીતાસાર અને રામભજનના ‘હિન્દુત્વ’થી અકળાઈને વિભાજન માંગ્યું અને ઉગ્રપંથી હિન્દુત્વવાદીઓને એમને સેક્યુલર ધર્મશત્રુ ગણીને માર્યા ને હજુ ય અમુક એનો બચાવ કરે છે.

લાઇક શાહરૂખખાન. એક દસકા પહેલા ય બાળકોને ગાયત્રીમંત્ર ઘરમાં બોલાવતો હતો એનો કકળાટ તે વખતે થયેલો. ત્યારે સોશ્યલ મીડિયા હતું નહિ ને બાળકો ય નાના હતા. એની ઇન્ટલેકચ્યુઅલ સેટાયર ધરાવતી વાતો સમજી ન શકનારા ચરમપંથી હિન્દુવાદીઓના ટાર્ગેટ પર તો એ કાયમ વગર કારણે ગપ્પાષ્ટકને લીધે ય હોય છે.

પણ હમણા અત્યારે નાનો એવો અબરામ ઘરમાં ગણેશચોથે સ્થાપેલા ગણપતિદાદા સામે ઉભો હોય એવો ફોટો શાહરૂખે ટ્વીટ કર્યો ‘ગણપતિ પપ્પા’ એવું વ્હાલમાં લખીને, અને તરત કટ્ટરવાદી મુસ્લિમોએ ટ્રોલના તીર વરસાવ્યા ‘આ તો મુસલમાન જ નથી’, ‘ઢોંગી, નકલી ઇસ્લામિક બંદો’, ‘તારી પત્નીને કેમ મુસલમાન નથી બનાવી?’ ‘મૂર્તિપૂજકને નરકમાં ય જગ્યા નહિ મળે’ ‘અલ્લાહનું નામ લેવાને લાયક નથી’ વગેરાહ વગેરાહ! રાબેતા મુજબ, આવા ભેજામાં કટ્ટરતાનું ગોબર લઇને ફરનારા બુદ્ધિબુઠ્ઠાને સમાજ ઠમઠોરે નહિ, તો સમજુએ જવાબ જ ન આપવાનો હોય.

ગણપતિ તો સલમાનના ઘરમાં વર્ષોથી સ્થપાય જ છે. શાહરૂખની પત્નીની જેમ એની મા હિન્દુ છે, ઘરમાં માતાજીનો દીવો ય થાય છે, ને ફાર્મહાઉસમાં મંદિર પણ છે. અરે હમણાં જ રક્ષાબંધન પર સૈફ જેવા ઘણા મુસ્લિમ હોવાને લીધે જ નિશાન બનાવાયેલા કલાકારોએ રાખડીની તસવીરો ઇન્સ્ટા. પર મૂકેલી એમાં ય કકળાટ કોમેન્ટિયાઓએ કરેલો. શાહરૂખે તો હમણા જન્માષ્ટમીની ઘેર ઉજવણી કરી એમાં ય ફોટા મૂકેલા.

‘લવરાત્રિ’ ફિલ્મનું નામ બદલવું પડયું એ ય તાજી ઘટના છે જ. પહેલા જે તાલિબાની માનસિકતાવાળા મુસ્લિમ કટ્ટરવાદીઓ કરતા (જે હજુ ય કોઇક મુસ્લિમ સ્ત્રીના સ્લીવલેસ ડ્રેસના ફોટા જોઇને ય કર્યા જ કરે છે) એનું ચેપી કોપીપેસ્ટ પરબારું હવે બીજા વધુ સૌમ્ય સહિષ્ણુ શાંત ગણાતા ધર્મોના અમુક ઘેટાંચાલ કટ્ટરપંથી ઉગ્રવાદીઓ ય કરવા લાગે છે.

જોકથી પણ લાગણી દુભાઈ જાય છે. ફિલ્મ તો સોફ્ટ ટાર્ગેટ છે. કરપ્શન કે સીસ્ટમસુધારણા માટે તો આ લાગણીઓ કદી નથી દુભાતી. કારણ કે એમાં નવરા લોકોને પબ્લિસિટી કે માઇલેજ નથી દેખાતું! ધર્મને બધો ખતરો સ્ત્રી-પુરૂષના મિલન અને કળાથી જ છે. દંભ તો બધા પાણી છાંટીને પવિત્ર માની લે છે!

સાઉદી અરેબિયામાં સાથે કામ કરનારી સ્ત્રી સાથે જમવા બદલ પણ જેલ થાય છે. આપણે હવે ફ્રાન્સ કે અમેરિકા જેવી મહાસત્તાને બદલે સાઉદી કે ઇરાન જેવી સંકુચિત ધર્મસત્તા બનવું છે, જાણે. આમાં સતત ઝાઝું લખીને ય શું વળે! રાષ્ટ્રવાદીઓએ જ જેમને ફુલડે વધાવેલા એવા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ એક પછી એક જજમેન્ટસમાં આવા જગતકાજીઓને જોખીજોખીને ખખડાવ્યા છે. હજુ આ વિશે હમણા લખ્યું. એ પછી પણ ૫મી સપ્ટેમ્બરના શિક્ષક દિને દીપક મિશ્રાના વડપણ નીચે જ સુપ્રીમ કોર્ટે વધુ એક પાઠ ભણાવ્યો હતો.

કેરળથી એક અરજી કરવામાં આવેલી કે સાહિત્યકાર એસ.હરીશની મલયાલી નવલકથા ‘મિશા’ (મૂછ)માં સ્ત્રીસ્વાતંત્ર્યતા અમુક વર્ણનો હિન્દુવિરોધી છે, માટે એના પર ધાર્મિક લાગણી દુભાવાના આરોપસર પ્રતિબંધ મૂકાવો જોઇએ. સુપ્રીમે શાહબાનો કે ટ્રિપલ તલાક જેટલું જ સ્પષ્ટ અને મોડર્ન ડેમોક્રેટિક સ્ટેન્ડ વધુ એકવાર લઇને અક્કલમઠ્ઠા અરજદારોનો રીતસર ઉધડો લીધો કે લેખકે શું લખવું ને ચિત્રકારે શું ચીતરવું એની આ ધરાર સેન્સરશિપનો તમને કોઈ જ અધિકાર નથી.

કોઈ પણ કૃતિ એના આગલાપાછલા સંદર્ભો સહિત વાંચવી જોઇએ, એ માટે સમજણ કેળવવી જોઇએ. અંશોને બદલે સંપૂર્ણતા જોવી જોઇએ. દંડસંહિતાના ૨૯૨ જેવી કાનૂનના ઉલ્લંઘન સિવાય સાહિત્ય-કળાને વિચારોની સ્વતંત્રતા મળે એ લોકશાહીનો પ્રાણ છે. સરકારે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સુરક્ષિત રાખવું પડે. (પણ બધા જ પક્ષોને તો વોટબેન્ક રીઝવવાનું સ્વાતંત્ર્ય અકબંધ રાખવું છે.

એમાં અઢળક અભણ અજ્ઞાાનીઓ જ શાસન કરે ત્યાં આવું ઝીણું કોણ કાંતે?) કાર્ટૂનથી પણ અકળાઈને ફ્રાન્સના ચાર્લી હેબ્દો પર હુમલો કરનારા જેહાદીઓ દુનિયામાં વધે છે. ભાગ્યાના મહિનાઓ પહેલા જેનું નામ પણ ન સાંભળ્યું હોય એવા વાનુઆતુ દેશમાં નાગરિકત્વ માટે ભાગવાના મહિનાઓ પહેલા નીરવ મોદીએ અરજી કરેલી.

આવા વેઢાં જેવડાં દેશે ય ‘આર્થિક ગોટાળા’ માટે એને સિટિઝનશિપ નહોતી આપી, ને પછી ટેસથી એ ભારત છોડી જતો ય રહ્યો ત્યાં સુધી અહીં બધા ઉંઘતા રહ્યા. આવા મામલે કે સેનાના જવાન સહિત ત્રણે સીબીએસઇ ટોપર પર રેવાડીમાં રેપ કર્યો એ મામલે કે દક્ષિણમાં જાતિભેદને લીધે લવ મેરેજ કરનાર પ્રેગનન્ટ પત્નીના પતિને પત્નીના કુટુંબીઓએ હોસ્પિટલમાં જ પતાવી દીધો, એ મામલે કદી કોઇને લાગણી દુભાણી સાંભળી છે?

એટલે ભક્તિ આપણે કરીએ છીએ અને અર્થતંત્રો અમેરિકાને ચીનના મજબૂત થાય છે. ભગવાન પણ આવા દેખાડાના દેકારાવાળા ભક્તોથી કદાચ ખીજમાં છે. એની વે, ગણપતિ વિસર્જન આવી ગયું વધુ એકવાર ત્યારે આવી રમૂજને બદલે સિરિયસલી બીજાની પંચાત કરી નડવા-કનડવાની આસુરી વૃત્તિઓનું વિસર્જન ક્યારે થશે?

વેલ, જાવ બીજા ધર્મોવાળાઓને કહો એવું કદી કહીને ખુદ એમની ખરાબીઓની નકલ કરવામાં ગૌરવ અનુભવનારાને આખા દેશ-પરદેશના લાડકા ગણેશજી વિશે ય બે ચાર સવાલો પૂછો તો વોટ્સએપના ફોરવર્ડ મેસેજીઝ ચકાસવા લાગે? ટિપિકલ બધું યાદ હોય. બાર નામ ને જન્મની કથા ને એવું યાદ હોય. પણ ગણપતિના વાહન મૂષકનું નામ તો પૂછો. કેટલાને ખબર હશે કે એ નામ ડિંક છે? અને એની પાછળ આખી એક કામકથા છે? કે પછી દુર્વાનું ઘાસ ગણપતિને શા માટે?

સ્ટોરીઝની રીતે ય આ બધી ખબર પૂરી હોતી નથી. ટાઈમપાસ મનોરંજન કે શક્તિપ્રદર્શનથી વધુ રસ પડે તો ને! ચાલો અજ્ઞાાનનું વિસર્જન કરવા બુદ્ધિના આ દેવની થોડી માયથોલોજી, થોડી હિસ્ટ્રી રિવાઇન્ડ કરીએ. બીજાની ધાર્મિકતા માપ્યા કરવાને બદલે, ખુદ જાણવાની જીજ્ઞાાસા થાય એ જરૂરી છે. ખબર છે ને કેબીસીમાં પછી માયથોલોજીકલ સવાલોમાં દાંડિયા ડૂલ થઇ જાય છે!

વિદિશા.

મધ્યપ્રદેશની આ વિખ્યાત પુરાતન સ્થળનું ગણેશ સાથે શું કનેકશન છે. વિદિશામાં ઉદયગિરિની ગુફાઓ છે. જેમાં ગણેશજીની ભારતમાં મળી આવેલી સૌથી પ્રાચીન મૂર્તિ છે! હિન્દુ અને જૈન શિલ્પોની વીસેક ગુફાઓ છે. જેમાં વરાહ અવતાર ભૂદેવીને ઉંચકે એવું ય એક વિખ્યાત શિલ્પ છે. અને માતૃકા યાને માની બાજુમાં ૫મી સદીમાં મળી આવેલી ગણેશની પ્રાચીન પ્રતિમા છે.

જે ભારતમાં પુરાતત્વવિદોના મતે ઓવલી ગણેશની સૌથી જૂની મૂર્તિ છે! એ જ વિસ્તારમાં ભૂખરા શિવમંદિરોમાં ય એક એવી જ પ્રાચીન ગણેશમૂર્તિ છે. (લેખ સાથે એની તસવીર પણ છે!). એમ તો હરપ્પા કાળની મુદ્રા (સીલ)માં ય એલીફન્ટ સીલ જોવા મળે અને ગ્રીકોમાં ય હાથીના મસ્તકના રાજચિહ્ન છે.

એવી જ ઐતિહાસિક વાત ‘અષ્ટવિનાયક’ની છે. મહારાષ્ટ્રમાં મુંબઇના સિદ્ધિવિનાયક જેટલું જ પ્રસિદ્ધ નામ અષ્ટવિનાયક છે! અષ્ટવિનાયક આમ તો ચાર ધામ કે શિવના દ્વાદશ જ્યોતિર્લિંગ જેવું છે. ગણપતિના આઠ મંદિરો છે. પૂણેના (પૂના) જીલ્લાની પાસે મોરગાંવનું મોરેશ્વર, સિદ્ધટેકનું સિદ્ધિવિનાયક, પાલીનું બલ્લેશ્વર, મહાડનું વરદાવિનાયક, થેઉરનું ચિંતામણિ, લેન્યાદ્રિનું ગિરિજાત્મજ, ઓન્ડારનું વિઘ્નેશ્વર અને રંજનગાંવા મહાગણપતિ.

અષ્ટવિનાયકની જાત્રા ય થાય છે. પણ આ આઠ ગણેશ મંદિરો જ અષ્ટવિનાયક કેમ કહેવાય છે ? એની કોઇ માન્ય દંતકથા પણ જાણવા મળતી નથી. બારમતીની કાન્હા નદીથી એની યાત્રા ચાલુ થાય. જ્યાં ગણેશભક્તોના ગણપત્યા પંથના સત મોરયા ગોસાવીના નામ પરથી મોરેશ્વર મંદિર છે.

એમાં અહલ્યાબાઇ હોલકરે બનાવેલ મંદિર પણ આવે, જ્યાં શુકનિયાળ મનાતા જમ્મુની સૂંઢાળા ગણપતિની પૂજા થાય છે. વચ્ચે બાલેશ્વરમાં વસઇની ૧૭૩૯ની લડાઇમાં ચિમાજી અપ્પાએ જીતીને મેળવેલો પંચધાતુનો પૉર્ચુગીઝ ઘંટ છે! મહાડના મંદિરમાં અનંતદિપીકા નામની દીપમાળ છે જે ૧૮૯૨થી પ્રજ્વળે છે, એમ કહેવાય છે.

થેઉરમાં પેશ્વાઓનો ઉનાળુ મુકામ હોઇ કાળા પથ્થરના ફુવારાવાળો મંડપ જોવા મળે. લેનાદ્રિમાં બૌદ્ધ ગુફાઓ સાથે ૨૩૮ પગથિયા ઉપર ગુફામાંથી બનાવેલું મંદિર છે. જેના પ્રવેશદ્વારે સિંહ અને હાથી છે. ઓન્ડારની ગણેશપ્રતિમા આંખોમાં બે માણેક અને કપાળે હીરો જડેલો છે!

છેલ્લા રંજનગાંવના મંદિરે એવી રચના છે કે ઉત્તરાયણ અને દક્ષિણાયન (શિયાળા અને ઉનાળાના સંપાત) વખતે સૂર્યકિરણો સીધા જ ગણેશપ્રતિમા પર પડે!

આ થઇ અષ્ટવિનાયકની યાત્રા. પણ એ એકસાથે બંધાયા નથી. એની કોઇ એક જ કોમન બેકગ્રાઉન્ડ સ્ટોરી નથી એના વિશે સૌથી સરસ રિસર્ચ વળી એન ફિલ્ડહોઉસ નામની પરદેશી તજજ્ઞાના ભારત પરના સરસ પુસ્તક ‘કનેક્ટેડ પ્લેસીઝ : રિલિજીયન, પિલગ્રિમેજ એક જીયોગ્રાફિકલ ઈમેજીનેશન ઈન ઈન્ડિયા’માં વાંચવા મળે છે! (આપણને તો બહુ ઓછી ટેવ તટસ્થભાવે તલસ્પર્શી સંશોધનની આપણા જ વારસા બાબતે છે!)

‘ડેક્કન’ કહેવાતા દક્ષિણ ભારતમાં વળી ગણેશપૂજા એટલી પ્રસિદ્ધ નથી. શિવ, વિષ્ણુ દેવીપૂજાના પ્રચંડ મંદિરો છે. પણ કોંકણસ્થ બ્રાહ્મણ કુટુંબોનું પ્રભુત્વ વધ્યું પેશ્વાઇ વખતે, ત્યારે ગણેશપૂજાને પણ ‘રજવાડી માનપાન’ વધ્યું, એવું એન લખે છે. ભક્તો અષ્ટવિનાયકને સ્વયંભૂ માને છે. વિઘ્નહર્તા અષ્ટવિનાયકના નામને પ્રસિદ્ધ નેશનલ લેવલે એક ફિલ્મકંપનીએ કર્યું પણ એને ઘણા વિઘ્નો નડયા અને ફાઇનાન્શીયલ ફ્રોડમાં અંતે એ ડૂબી ગઇ!

એમ તો પાકિસ્તાનના કરાંચીના ક્લિફટન વિસ્તારમાં ય પાકિસ્તાની ‘મહારાષ્ટ્ર પંચાયત’ ગણેશોત્સવ ઉજવે છે! મહારાષ્ટ્રીયન પ્રભાવ જ્યાં છે, ત્યાં આઝાદીની જનજાગૃતિ માટે ટિળક મહારાજ પ્રેરિત ઘેર ઘેર અને ચોકે ચોકે પંડાલોવાળા ગણેશોત્સવની અસર છે.

પણ ગણેશ એક પૌરાણીક પાત્ર તરીકે હિન્દુ ધર્મોમાં વિશ્વપ્રસિદ્ધ છે. કમ્બોડિયામાં ખ્મેર રાજાઓએ બનાવેલા ટેમ્પલ કેમ્પસમાં ય ગણપતિની પ્રતિમા છે. અંગકોર વાટ ઉપરાંત આસપાસના થાઇલેન્ડ જેવા દેશોમાં ય મળે. ‘એલીફન્ટ ગોડ’ તરીકે વિશ્વના દરેક જાણીતા મ્યુઝિયમ્સમાં – ઇન્ડિયન એકશનમાં નટરાજ, દુર્ગા અને ગણેશ એ પરિવાર તો વિષ્ણુ સાથે જોવા મળે જ!

તો હવે વાત મૂષકના નામની કહાણીની. સુમેરૂ પર્વત પરના સૌભારિ ઋષિની અત્યંત સ્વરૂપવાન પત્ની મનોમયી હતી. (હિન્દુ ઋષિઓ બહુધા પરણિત જ હતા, બ્રહ્મચર્યનો અવળો અર્થ ત્યારે આવ્યો નહોતો). ઋષિની ગેરહાજરીમાં મનોમયીને નિહાળીને ક્રૌંચ નામનો ગંધર્વ મોહિત થઈ ગયો.

એણે ઓનલાઇન સ્ટોકર જેવી લાળટપકાઉ છેડતી શરૂ કરી. ત્યાં ઋષિ આવ્યા અને આવી અણછાજતી હરકત માટે એણે ક્રૌંચને એની વૃત્તિ જેવા પહાડ કોતરતા ઉંદર થવાનો શ્રાપ આપ્યો. ક્રૌંચે પસ્તાવો પ્રગટ કર્યો. દેહસૌંદર્યના આકર્ષણમાં લપસ્યો, એમાં મારો શું વાંક એવી નિખાલસ કબૂલાત કરી અવિવેક માટે મનોમયીની માફી માંગી. ઋષિએ શ્રાપ હળવો કરી એને સન્માન મળશે એવા આશીર્વાદ આપ્યા અને પછી એ ઉંદરે પરાસર મુનિના આશ્રમમાં તોફાન કરતા ગણેશ એના પર કૂદકો મારી સવાર થયા ને એને કાબુમાં લીધો. ત્યારથી એ ડિગ્ડ ગજાનનસેવક બન્યો!

એવી જ વાર્તા છે કે અનલાસુર નામના મોઢામાંથી અગ્નિની જ્વાળાઓ બહાર ઓકતા રાક્ષસને સીધા કરવા દેવતાઓની પ્રાર્થના પછી ગણપતિ એને ગળી જ ગયા! પણ પછી એમને અગ્નિનો (એસિડિટી જેવો?) દાહ ઉપડયો. એ મટયો જ નહિ, પછી કશ્યપ ઋષિએ ૨૧ ગાંઠ વાળીને દુર્વા (ચોખાનું ઘાસ) લઈ એ ખવડાવી એ બળતરા શાંત કરી. એમ દુર્વા ગણેશને પ્રિય તૃણ થયું.

અને ભારદ્વાજ મુનિ નર્મદા તટે તપસ્યા કરતા હતા ત્યારે સ્નાન કરતી અપ્સરા જેવી સુંદર કામિની જોઇને મોહિત થયા અને એમનું બીજ ધરતી પર પડતા ધરતીથી શિશુ લાલ રંગનો ઉત્પન્ન થતા એ અંગારક કહેવાયો એવી ય એક કથા છે, જેણે ગણેશ સ્તુતિ કરી નૃત્યમુદ્રાના ગણેશ પ્રસન્ન કર્યા એવી ય એક કથા છે!

વેલ, ગણેશ એમના ફોર્મને લીધે વર્લ્ડ લેવલે આર્ટીસ્ટસના વ્હાલા છે. આપણે ભય કે લોભથી વિધિવિધાનો કર્યા કરીએ છીએ, અને ધાર્મિક લાગણી બટકણી કરી દૂભવીએ છીએ બાકી આવી અનેક મસ્ત મસ્ત ફેન્ટેસી સ્ટોરીઝ પણ જગત સામે સ્ટાઇલથી મૂકીએ તો ગણેશ માટેનું આકર્ષણ નવી પેઢીમાં ય પેદા થઇ વિસ્તરતુ જાય. પણ એ માટે ક્રિએટિવિટીને લિબર્ટી જોઇએ અને એ આડેના વિઘ્નો હટાવવા વિઘ્નહર્તાએ મંગલમૂર્તિને જ પ્રાર્થના કરવી પડે, જેમણે મહાભારતની કલમ બનવા માટે એક દાંત તોડીને લહિયા બનેલા એવી ય વાર્તા છે!

ફાસ્ટ ફોરવર્ડ

”કભી અંબાની કે બેટે કો ભૂત ચિપટતે દેખા હૈં ?” (એકદમ સુપર્બ અને સુપરહિટ એવી હસાવતા અને ડરાવતા ઘણું ય મનોરંજક રીતે તાજગીસભર કહી દેતી ફિલ્મ ‘સ્ત્રી’નો મર્મવેધક કટાક્ષ કરતો સંવાદ)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create your website at WordPress.com
Get started
%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close